ચૂંટણીનું પર્વ ઉજવવા માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ મહાપર્વની ઉજવણી કરી મત આપવાનું પવિત્ર કાર્ય કરે છે. મત આપવો એ આપણી નૈતિક ફરજ છે ત્યારે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી વેળાએ મતદાનના દિવસે જ અહીંના ભડીયાદ ગામમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિના લગ્ન નિર્ધાર્યા હતા. જોગાનુજોગ મતદાનના દિવસે જ તેમના લગ્ન હોવા છતાં તેઓએ પોતાની ફરજ અદા કરી હતી.
મોરબી માળીયા વિધાનસભાનાં મતવિસ્તારમાં આવેલ ભડીયાદ ગામમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમેશભાઈ મકવાણાની પુત્રી જાગૃતિ સજોડે લગ્નના દિવસે જ લગ્નના માંડવે થી સીધા જ મતદાન મથકે આવીને મતદાન કર્યું હતું.
આ નવદંપતિ લગ્નના પહેરવેશ અને સજ્જામાં મતદાન મથકે પહોંચતા અન્ય મતદારો અને મતદાર મથકના કર્મચારીઓ પણ પ્રભાવીત થયા હતા. નામ એવા જ ગુણ ફેલાવતી નવવિવાહિતા જાગૃતિએ લગ્નમંડપથી સીધા મતદાન મથકએ મતદાન કરી મતદારોમાં ફેલાવેલી જાગૃતિને ગ્રામજનોએ પણ આવકારી હતી.