મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ખેડુતોના મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકશાન થયું છે. હાલની આ પરિસ્થિતિને ધ્યાને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય અને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડુતોના તૈયાર પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. ખેતરોમાં પાક પણ પાણીમાં પલળી જતાં બગડી ગયેલા છે. ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોનો મોટાભાગનો ભાગ નાશ થવાને આરે છે. આ કારણે ખેડુતો પર આર્થિક સંકટના વાદળો છવાયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘના મોરબી જીલ્લા પ્રમુખ બાબુલાલ સીણોજીયા, ઉપપ્રમુખ આશિષકુમાર કગથરા અને મહામંત્રી નાથાલાલ ઢેઢી દ્વારા મુખ્યમંત્રીને ઈમેઇલ મારફતે રજૂઆત કરી જણાવાયું છે કે છેલ્લા ચારથી પાંચ સીઝનથી ખેડુતો સતત કુદરતી આફતો અને રોગચાળાઓને કારણે નુકશાન સહન કરી રહ્યા છે. હવે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
રજુઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ૧ નવેમ્બરથી શરૂ થવાની હોવા છતાં હજુ સુધી કેટલો જથ્થો ખેડૂતદીઠ લેવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. બજારમાં મગફળી અને અન્ય ખેતપેદાશોના ભાવ ખુબ જ નીચા સ્તરે પહોંચી જતા ખેડુતોને બજાર ભાવ તેમજ પાક નુકશાની બંને વેઠવાનો વારો આવ્યો છે. ખરીદી સેન્ટરો દ્વારા રીજેકશનની પ્રક્રિયા અને પ્રશાસનના સર્વે દરમિયાનની બેદરકારીના કારણે ખેડુતોને હંમેશા અન્યાય ભોગવવો પડે છે. રજૂઆતમાં જણાવાયું છે કે, અત્યાર સુધી સરકારે જે રાહત પેકેજો જાહેર કર્યા છે તેમાં ખેડુતોને ખાતા દીઠ રૂ.૧૨,૦૦૦ થી રૂ.૧૫,૦૦૦ ની ચુકવણી કરવામાં આવે છે, જે રકમથી ખેડુતોના આર્થિક સંકટમાં કોઈ ફરક પડતો નથી.
આથી ભારતીય કિસાન સંઘે સ્પષ્ટ માંગણી કરી છે કે, સરકારે SDRF યોજનાથી ઉપર ઉઠીને ખાસ ખેડુત હિતનું વિશેષ રાહત પેકેજ જાહેર કરવું, અને મોરબી જીલ્લાનો પણ તેમાં સમાવેશ કરવો. રજુઆતના અંતે કિસાન સંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર ખેડુતોની હાલની પરિસ્થિતિને ગંભીરતાથી લઇ તાત્કાલિક રાહત પગલાં લેશે અને આ સંકટમાંથી ખેડૂતોને બહાર કાઢશે.









