‘એસટી અમારી સલામત સવારી’ ના નારા વચ્ચે એસટી અકસ્માતના બનાવો અવારનવાર સામે આવે છે ત્યારે મોરબીથી ચરાડવાને જોડતા માર્ગ પર આવેલ પાવર હાઉસ પાસે એસટી વોલ્વોના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકસવારને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
કેસની વિગત અનુસાર મોરબી-ચરાડવા માર્ગ પર બેફામ દોડતી વોલ્વો એસ.ટી.બસ નં.જી.જે.૦૭-વાય ઝેડ ૬૫૩૯ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા પાવર હાઉસ નજીકની આગળ કેનાલ પાસે મોટર સાયકલ રજી.નં.જી.જે.૩૬-એચ.૫૮૭૨ને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં એસટીની ઠોકરે ચડેલ બાબુભાઇ ઉર્ફે ગણેશભાઇ અમરશીભાઇ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈને ગણેશભાઇનું કરુણ મોત નીપજ્યું હતું આ ઉપરાંત બાઈક સવાર નિલેશભાઇ પ્રભુભાઇ લખતરીયાને પણ નાની મોટી ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા. આ અકસ્માત અંગે મૃતકના દીકરા અશ્વિનભાઇ બાબુભાઇ ઉર્ફે ગણેશભાઇ ચૌહાણે એસટી ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.