હળવદ તાલુકાના જુના અમરાપર ગામ નજીક આઇ -૨૦ કાર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક સવાર પતિ – પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ બાદ કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર છોડી નાસી ગયો હતો. હાલ મૃતક દંપતીના ભત્રીજાની ફરિયાદના આધારે આરોપી કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર ઉવ.૩૪ અને મુકતાબેન પરમાર ઉવ.૩૦ હળવદ કોર્ટમાં સ્વિપર તરીકે નોકરી કરતા હોય ત્યારે ગત તા.૧૪/૦૬ ના રોજ બંને પતિ – પત્ની પેશન પ્રો બાઈક રજી. જીજે-૩૬-એઈ-૬૫૧૦ ઉપર પોતાના ગામ ટીકરથી હળવદ કોર્ટમા નોકરીએ જતા હતા ત્યારે અમરાપર ગામે રોડ ઉપર કોજવે નજીક સામેથી પુર ગતિએ આવતી આઇ -૨૦ કાર રજી. જીજે-૩૬-એલ-૮૯૭૨ ના ચાલકે પેશન પ્રો બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દંપતીના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની કાર રેઢી મૂકી અકસ્માતના સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ પોલીસે અકસ્માતના બનાવની મૃતક દંપતીના ભત્રીજા રાહુલભાઈ સંતોષભાઈ પરમાર ઉવ.૨૪ રહે.ગામ ટીકર તા.હળવદની ફરિયાદ પરથી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.