મોરબીના લાલપર ગામ નજીક નેશનલ હાઇવે રોડ ઉપર ફૂલ સ્પીડમાં ચલાવી બાઇક લઈને જતા શ્રમિકનું બાઇક સ્લીપ થતા માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોચતા, મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પત્નીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે મૃતક યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના નોંધાયેલ ફરિયાદ મુજબ, ગત તા.૧૩ સપ્ટે.૨૦૨૫ ના રોજ હાલ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુર જીલ્લાના બીલન્ડગંજ ગામના રાજકુમાર રામપ્રસાદ વર્મા પોતાનું એચ.એફ.ડિલક્ષ બાઇક રજી.નં. જીજે-૧૦-સીએલ-૦૮૬૭ લઈને પીપળી રોડથી જાંબુડીયા તેમના ઘરે આવતા હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર ગામ નજીક પુર ઝડપે ચાલતા મોટર સાયકલ ઉપર કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં બાઇક ચાલક રાજકુમાર વર્માને માથામાં અબે શરીરે ઇજાઓ પહોંચી હતી, ત્યારે એકઠા થયેલા લોકોએ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટ રીફર કરવામાં આવ્યા જ્યાં એક દિવસની ટૂંકી સારવારમાં રાજકુમાર વર્માનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસ મથકે મૃતક રાજકુમાર વર્માની પત્ની ઊર્મિલાબેન વર્માની ફરિયાદને આધારે પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









