માળીયા(મી) તાલુકાના મોટાભેલા-ભાવપર વચ્ચે ગાયમાતાના મંદિર સામે રોડ ઉપર બાઇક સ્લીપની ઘટનામાં સરવડ ગામે રહેતા ૩૫ વર્ષીય યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવાન વિરુદ્ધ ગુનો નોંધી માળીયા(મી) પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા(મી)તાલુકાના સરવડ ગામે રહેતા કિશોરભાઈ કારાભાઈ સીદાભાઈ મૂછડીયા ઉવ.૩૫ ગત તા.૦૫/૧૦ના રોજ પોતાનું બજાજ કંપનીનું પલ્સર રજી.નં. જીજે-૩૬-એએન-૯૬૫૩ લઈને સરવડથી બગસરા સેન્ટિંગ કામની મજૂરી સબબ ગયા હતા, ત્યારે સાંજે પોતાના કામેથી પરત આવતા હોય તે દરમિયાન માળીયા(મી) તાલુકાના મોટાભેલા અને ભાવપર વચ્ચે આવેલ ગાયમાતાના મંદિર સામે રોડ ઉપર કિશોરભાઈનું બાઇક સ્લીપ થઈ જતા તેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી કિશોરભાઈને માળીયા(મી), મોરબી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા જ્યાં તેઓનું તા.૦૮/૧૦ના રોજ ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હાલ મૃતકની માતા ભાનુબેનની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક કિશોરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









