મોરબી:કારખાનેથી ઘરે બાઈક ઉપર આવી રહેલ માતા-પુત્રને મોરબી તાલુકાના બંધૂનગર ગામ નજીક અકસ્માત નડ્યો હતો જેમાં રોડ ઉપર આગળ જતા ટ્રકે અચાનક વળાંક લઈ બાઈક સાથે ટ્રક અથડાવતાં બાઈક સવાર બંને માતા પુત્ર રોડ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક ચાલક મહિલાને શરીરે છોલછાલ જેવી ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઈકની પાછળ બેઠેલ મહિલાના પુત્રને પગના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. અક્સ્માત બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક સાઈડમાં પાર્ક કરી ભાગી છૂટયો હતો.
અકસ્માતના બનાવની મળતી વિગતો મુજબ ગત તા ૧૮/૦૬ના રોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નવા સેવા સદન પાછળ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉષાબેન ભુપતભાઇ ભીખાભાઇ વહાણેશીયા ઉવ.૪૩ અને તેનો પુત્ર ધ્રુવ બજાજ કંપનીનું પ્લેટીના બાઈક રજી. જીજે ૩૬ કે ૨૫૦૬ લઇને કરખાનેથી ઘરે જતા હોય તે દરમિયાન બંધુનગર ગામ નજીક આવેલ ચામુંડા હોટલ સામે હાઇવે રોડ ઉપર આગળ જતા ટ્રક રજી. જીજે ૧૨ એયુ ૭૦૩૩ના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં ચલાવી આગળ પાછળ જોયા વગર અચાનક વળાંક લઈ લેતા ઉષાબેનના બાઈકને હડફેટે લેતા ઉષાબેન અને તેમની પુત્ર ધ્રુવ રોડ ઉપર પડી ગયા હતા. જેમાં ઉષાબેન ને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે તેમના દીકરાને પગમાં સાથળના ભાગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અક્સ્માત સર્જી ટ્રક ચાલક પોતાની ટ્રક સાઈડમાં પાર્ક કરું છું તેમ કહી સાઈડમાં પાર્ક કરી ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો.