હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના પાટીયા નજીક હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતના બનાવમાં કાર ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી મોટર સાયકલને ઠોકરે ચડાવતા, મોટર સાયકલ ચાલક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના બાદ કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા પ્રવીણભાઈ શામજીભાઈ વરમોરા ઉવ.૫૧ વાળા ગઈકાલ તા ૧૭/૧૦ના રોજ વહેલી સવારે છ વાગ્યાની આસપાસ સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-જે-૬૧૩૯ લઈને ખેતરે મજૂરોને ચલાખા આપી ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે માળીયા-હળવદ રોડ ઉપર નવા દેવળીયા ગામના પાટીયા પાસે રોડની કટ પાસે પહોંચ્યા તે દરમિયાન ફૂલ સ્પીડે અને બેદરકારીથી ચલાવીને આવતા આર્ટિગા કાર રજી.નં. જીજે-૧૦-ટીવાય-૮૧૦૧ના ચાલકે પ્રવિણભાઇના મોટરસાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં પ્રવિણભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે અસમાત્મા મૃત્યુ બાબતે મૃતકના પુત્ર હિરેનકુમાર પ્રવીણભાઈ વરમોરા એ હળવદ પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.