હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ચાર રસ્તા નજીક બોલેરો પીકઅપ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર પાછળ બેસેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં જોગણી માતાજીના મંદિર પાસે હળવદ-ધ્રાંગધ્રા હાઈવે ચાર રસ્તા પર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તા. ૪ માર્ચના રોજ બપોરે બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૧૨-બિઝડ-૨૨૬૪ના ચાલકે બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-બીકે-૮૫૦૪ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈકની પાછળ બેઠેલા હમીરભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉપરાંત બોલેરોમાં બેસેલા અન્ય એકને પણ ઈજા પહોંચી હતી.
આ બનાવ અંગે મોટર સાયકલ ચાલક ઈદ્રીશભાઈ રસુલભાઈ માણેક રહે. હળવદ જી.આઈ.ડી.સી. વાળાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









