મોરબીના હળવદ રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં નીચી માંડલ ગામ નજીક આર્ટિગા કારનો ચાલક પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી આવી, આગળ જતાં મોટર સાયકલને ઠોકરે ચડાવતા, મોટર સાયકલ ચાલકને માથાના ગંભીર ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી આર્ટિગા કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, જ્યારે બીજીબાજુ ઇજાગ્રસ્ત યુવકના પિતાએ તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી આર્ટિગા કારના રજી. નં. ઉપરથી આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.
હિટ એન્ડ રન અકસ્માતની મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા રમેશપરી દયાલપરી ગૌસ્વામી ઉવ.૫૩ એ તાલુકા પોલીસ મથકના આર્ટિગા કાર રજી.નં. જીજે-૩૬-એફ-૭૯૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૨૨/૦૬ ના રોજ સવારે ફરિયાદીના દીકરા મયુરપરી સીરામીક કારખાનામાં નોકરીએ પોતાના સ્પ્લેન્ડર બાઇક રજી.નં. જીજે-૩૬-એમ-૬૨૦૪ લઈને ઘરેથી નીકળ્યા હોય, તે દરમિયાન આંદરણા ગામથી નીચી માંડલ ગામ વચ્ચે સેગા સીરામીક સામે પાછળથી આવતી આર્ટિગા કારે મયુરપરીના મોટરસાયકલને પાછળથી ઠોકરે ચડાવતા, તેઓ રોડ ઉપર પટકાયા હતા, ત્યારે અકસ્માતમાં ઘાયલને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અકસ્માત સર્જી ઉપરોક્ત આર્ટિગા કારનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ ઘાયલ યુવકની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં માથામાં ગંભીર ઇજાઓ અંગેની સારવાર ચાલુ હોય. મોરબી તાલુકા પોલીસે આરોપી અર્ટિગા કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.