મોરબીના શકત શનાળા ખાતે આવેલ શક્તિધામ ખાતે શક્તિ માના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 950 દીવડાની મહાઆરતીનું સતત 10માં વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં હજારોની જનમેદનીમાં ભક્તો ઉમટી પડ્યા હતાં.
મોરબીના શકત શનાળા ખાતે આવેલ શક્તિધામ ખાતે શક્તિ માના 950માં જન્મોત્સવ નિમિત્તે 950 દીવડાની મહાઆરતીનું સતત 10માં વર્ષે ભારે વરસાદ વચ્ચે પણ તલવાર બાજી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આબુગઢના અંબાજીના પરમ ઉપાસક પાટણપતિ સોલંકી પ્રતાપસિંહના ઘરે વિ. સ. 1133 ને કારતક સુદ 11ના દિવસે ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિ દેવીનો જન્મ થયો. આ દિવ્ય ઇતિહાસને ગઈકાલે 950 વર્ષ પૂર્ણ થતા આ 950માં જન્મોત્સવને તલવારબાજી ટીમ દ્વારા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવ્યો હતો.
જેમાં હજારો ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતાં. 950 દિવાની મહા આરતી અને સવા મણ લાપસીનો પ્રસાદ અને સાથે માતાજીનો એક ફોટો પ્રસાદ રૂપે અપાયો તેમજ સતત 10 વર્ષથી તલવારબાજી ટીમ શકત શનાળાના ભાઈઓ આ આયોજન કરી રહ્યા છે. અને ખાસ મા શક્તિ સિંહ વાહીનીની રંગોળી રવિભાઈ બાવરવા દ્વારા બનાવામાં આવી હતી.









