દેશમાં ઘણા લોકો પર્યાવરણની રક્ષા કરવા પોતાનાથી શક્ય હોય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે. આવો જ એક પ્રયત્ન મોરબીના રાજકીય અગ્રણીએ કર્યો છે. તેઓએ પોતાના ઘરે આવનારા પ્રસંગ માટે ઇકો ફ્રેન્ડલી આમંત્રણ પત્રિકા છપાવી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પત્રિકાની ખાસિયત એ છે કે, કાગળમાંથી તુલસીનો છોડ ઉગી નીકળશે.
ઉલ્લેખનીય છે કે, મોરબી ભાજપના અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને મોરબી જિલ્લા પંચાયતના ઉપ-પ્રમુખ જાનકીબેન કૈલાને આ ઉમદા વિચાર આવ્યો છે. જીગ્નેશભાઈ અને જાનકીબેનની સુપુત્રી રાગી તેમજ જીગ્નેશભાઈના ભાઈ અમિતભાઈ અને રીટાબેન કૈલાના સુપુત્ર જૈનમ પોતાના ઘરે આગામી 28 ઓગસ્ટના રોજ રાંદલ માતાજીની પધરામણી કરાવવાના હોવાથી તેઓએ કંઈક અલગ કરવાનું અને સમાજને એક ઉદાહરણ પૂરું પાડવાનું વિચાર્યું હતું. અને આખરે કૈલા પરિવારે એક અનોખી પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે ઇકો ફ્રેન્ડલી કંકોત્રી છપાવી છે. આ પત્રિકામાંથી તુલસીનો છોડ ઊગી નીકળશે.
સોશિયલ મીડિયા પર ભાજપ અગ્રણીની આ પહેલની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. ત્યારે આમંત્રણ પત્રિકામાંથી છોડ ઉગી નીકળવાની સમગ્ર પ્રક્રિયા વષે મળતી માહિતી મુજબ, સૌપ્રથમ આમંત્રણ પત્રિકાના કવરને કાપીને જ્યાં સુધી અંકુરિત ના થાય ત્યાં સુધી ત્રણ-ચાર દિવસ પાણીમાં પલાળી રાખવાનું રહેશે અને ત્યારબાદ અંકુરિત થયેલ પત્રિકાને અડધો ઇંચ જેટલુ ઊંડું માટીમાં લગાવી દેવાનું રહેશે અને કુંડાઓને સૂર્યપ્રકાશ યોગ્ય પ્રમાણમાં મળી રહે તે પ્રકારે રાખવાનું રહેશે જેનાથી તુલસીનો છોડ ઊગી નીકળશે. આમ આ આમંત્રણ પત્રિકાના કાગળમાંથી તુલસીના છોડ ઉગશે.
મહત્વનું છે કે, લોકો ઘરે આવતા વિવિધ પ્રસંગોમાં મોંઘીદાટ આમંત્રણ પત્રિકાઓ છપાવતા હોય છે અને કંકોત્રી જોયા પછી લોકો ફેંકી દે છે. તેનાથી પ્રદૂષણ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. ત્યારે સારા કામની શરુઆત પણ કરી થઇ શકે તે માટે કૈલા પરિવારે એક અનોખી પહેલ કરીને આ ઈકો ફ્રેન્ડલી આમંત્રણ પત્રિકા બનાવડાવી છે અને લોકોને વૃક્ષ વાવવાનો સંદેશો આપ્યો છે.