વિવાદનો વડલો બની ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કરાર આધારિત ફિક્સ પગારના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ ઉઠી છે જેમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોએ નવુ ગ્રુપ બનાવી પોતાના ચહિતા નામો જાહેર કર્યા હોય, ઉપરાંત યુનિવર્સીટી 29 માંથી 26 વિભાગમાં 88 ભરતીમાં કૌભાંડની ધગધગતી રાવ ઉઠતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને યુનિવર્સીટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીના ગત ૨૭મી સપ્ટેમ્બરે ઈન્ટરવ્યુંનો પ્રારંભ કરાયો તે પહેલા બી.જે.પી. સિન્ડિકેટ મેમ્બર્સ ૨૦૨૧-૨૨..નામનું વ્હોટસએપ ગ્રૂપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં હિન્દીમાં યોગેશ દવે, શિલ્પાબેન કામલીયા, મારુન્દ્રપ્રતાપસિંહ ચૌહાણ અને કંચનબેન ડેર, મનોવિજ્ઞાનમાં ધારા દોશી,ડીમ્પલ રામાણી, હસમુખ ચાવડા, કોમર્સમાં શિવાની પરમાર અને ધનરાજ ગઢવી, કેમેસ્ટ્રીમાં ફાલ્ગુનીબેન કારિયા અને મયંક મામતોરા, ફીઝીક્સમાં દૈવત ધ્રુવ અને ચિંતન પંચાસરા, ગુજરાતીમાં નીતુબેન કનારા અને વૈભાવીબેન ત્રિવેદી, બાયોસાયન્સમાં કલ્પનાબેન રાખોલિયા, નેનોસાયન્સમાં હેતલ બોરીચાની ભલામણ થઇ હતી.
હોમસાયન્સમાં હેડ નીલામ્બરી દવેએ ઉર્વીબેન ત્રિવેદીની ભલામણ ચલાવી ન હતી. અંગ્રેજીમાં રાજેશ્વરીબેન કુબાવતની ભલામણ પણ સિલેકશન ન થયું તથા. સમાજશાસ્ત્રમાં અનસુયાબેન અકબરી, સોહિલ જરીયા અને ભગીરથસિંહ જાડેજાની ભલામણ હતી પણ તેમાં હેડ જયશ્રીબેન નાયકે ધર્યું કરી પીએચ.ડી. કરતા વિદ્યાર્થી વિપુલ આડતીયા અને કોંગી પૂર્વ હેડ હેમાક્ષીબેન રાવની પુત્રી રચનાબેન વાધેલાની પસંદગી કાર્યની રાવ ઉઠી છે.
જયારે પત્રકારત્વમાં તૃપ્તિબેન વ્યાસનું ઈન્ટરવ્યુ પરફોર્મન્સ સારું હોવા છતાં હેડ ડો.નીતાબેન ઉદાણીએ પોતાની મનમાની ચલાવી યશવંત હીરાણી અને જીતેન્દ્ર રાદડીયાની પસંદગી કરાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ આજે આ બાબતે એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકરા સુત્રોચાર કરી એનએસયુઆઈના સભ્યો કુલપતિની ચેમ્બરમાં હોબાળો મચાવતા પોલીસ દ્વારા અનેક કાર્યકારની આ અટકાયત કરવામાં આવી હતી.