કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને ભાજપના કેન્દ્રિય નેતૃત્વએ વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ૩૦મી મેથી ચાલનારા રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનમાં કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાને ઉત્તરપ્રદેશની ચાર લોકસભા બેઠકો પર જનસંપર્ક અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના નવ વર્ષ થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં જનસંપર્ક અભિયાન ચલાવવાનું આયોજન થયું છે. આ અભિયાનમાં ભાજપા મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરશે.
દેશના સૌથી મોટા રાજ્ય અને લોકસભાની સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તરપ્રદેશમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને કાનપુર, અકબરપુર, ઝાંસી અને જાલૌત સહિત ચાર લોકસભા ક્ષેત્રના જનસંપર્ક અભિયાનની ગ્રૂપ બીની બાગડોર સોંપવામાં આવી છે. કચ્છના યુવા સાંસદ એક લોકપ્રિય જનપ્રતિનિધિ ઉપરાંત સંગઠન ક્ષેત્રમાં પણ પોતાની આગવી કુશળતાના કારણે કેન્દ્રિય નેતૃત્વનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યા છે. તેથી જ રાષ્ટ્રીયસ્તરે તેમને વિવિધ જવાબદારીઓ સોંપી પાર્ટી નેતૃત્વએ તેમની પ્રતિભાની યોગ્ય કદર કરી છે. ઉત્તરપ્રદેશના જનસંપર્ક અભિયાન માટે વિનોદ ચાવડાના નામની ઘોષણા થતા કચ્છ જિલ્લા ભાજપના મોવડીઓ અને કાર્યકર્તાઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે.