મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની ૩૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમના પરિવારજનોએ સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સિવિલ હોસ્પિટલ-મોરબીના સહયોગથી વાવડી રોડ પર આવેલી રામકૃપા પેટ્રોલિયમ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ૧૩૧ જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેમાન જૈન મારાજ સાહેબ પંથક મુની, તેમજ રાજકીય અગ્રણીમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિઆ, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, જીલ્લા પંચાયત ચેરમેન અજયભાઈ લોરિયા તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
આયોજક વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તેમના માતૃશ્રી કમુબેન મકવાણાનું સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે મૃત્યું થયું હતું. જેથી કોઈ દર્દીને રક્તના અભાવે મુશ્કેલી ન પડે તે હેતુસર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ૧૩૧ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને માનવતાની સાચી સેવા આપી છે. તેમણે તમામ રક્તદાતા, ઉપસ્થિત મહાનુભાવો તથા સિવિલ હોસ્પિટલના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો