મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ૬૪મા જન્મદિવસ નિમિત્તે મોરબીમાં સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
તાજેતરમાં કેન્સર સામેની લડતમાં જીત મેળવી ફરી સ્વસ્થતા તરફ આગળ વધી રહેલા કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસને યાદગાર બનાવવા આજે મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે.
મોરબી-૨ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો તેમજ સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું હતું.
કાંતિભાઈ અમૃતિયા દીર્ઘાયુષ્ય પામે અને ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરી જનસેવામાં જોડાય તેવી શુભેચ્છા સાથે આ સેવા યજ્ઞ યોજાયો છે. આ અંગે તેમના પુત્ર પ્રથમ કાંતિભાઈ અમૃતિયાએ પણ વધુમાં વધુ લોકોને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી.









