મોરબીના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડૂબી ગયેલા રાજસ્થાનના શ્રમિક યુવાનનો મૃતદેહ મોરબી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ અંદાજે ૨૪ કલાક પછી શોધી કાઢ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં શોક છવાયો છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાન શ્રમિકનો મૃતદેહ મોરબી ફાયર અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૧૨ કંટ્રોલ રૂમમાંથી મોરબી ફાયર કંટ્રોલ રૂમને રેસ્ક્યૂ કોલ મળ્યો હતો કે ઉંચી માંડલ ગામ નજીક એક યુવાન કેનાલમાં ડૂબી ગયો છે. કોલ મળતા જ મોરબી ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. સતત ચાલેલી શોધખોળ અને ભારે જહેમત બાદ અંદાજે ૨૪ કલાક પછી કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતકની ઓળખ મુજબ સુરેશભાઈ અત્તરસિંગ ગુજ્જર ઉવ.૨૧ રહે.મૂળ રાજસ્થાન રાજ્યના દોલપુર જિલ્લાના બાડી તાલુકાના મેદપુરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









