ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન થયું છે. જેને પગલે સમગ્ર પંથકમા ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
સાંજે સાંજે તેમની અંતિમયાત્રા ટંકારા પંથકમાંથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ દ્વારા તેઓને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મૂકાયા બાદ પંચભૂતમાં વિલીન થયો છે.
ટંકારામા દયાળમુનિ તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારે 89 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહીને આજે અંતિમ શ્વાસ લીધા છે.
તેઓ સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ પણ હતા.
તેઓનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ ટંકારામાં જ થયો હતો. દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા, મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. જેમનું આજરોજ નિધન થતાં તેઓની સ્મશાન યાત્રા તેમના નિવાસ્થાન લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 1 પ્રણવ ભવન ખાતેથી નીકળી હતી. આ પહેલા તેમનો પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
જેમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા,મામલતદાર, આર્યવિરો,રાજકોટના નામાંકિત ડોક્ટરો સહિતના લોકો સાથે જોડાયા હતા.દયાળમુનીનું નિધન થતાં સમગ્ર પંથકમાં ભારે શોક વચ્ચે તેમનો પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યો હતો.