માળીયા(મી)ના હરિપર ગામ નજીક હાઇવે રોડ ઉપર બોલેરો ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી ફૂલ સ્પીડમાં રોડ ઉપર ટ્રકની સાઈડ કાપવા જતા, બોલેરો આગળ જતાં ટ્રકના ઠાઠામાં ભટકાઈ હતી. જે અકસ્માતમાં બોલેરો ચાલક સહિત ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, મોરબીના મહેન્દ્રનગર નજીક પ્રજાપતિ કારખાનાની બાજુમાં રહેતા કરણભાઈ મથુભાઈ હળવદીયા ઉવ.૩૫ તથા તેમના કુટુંબી ભાઈઓ તથા એક હિન્દી ભાષી યુવક એમ ચાર વ્યક્તિ ગત તા.૧૮/૦૧ના રોજ રાત્રીના કરણભાઈના કાકાના દીકરા સુનિલભાઈની બોલેરો રજી.નં. જીજે-૩૬-ટી-૩૨૮૮ માં કચ્છથી મોરબી ગેસના ખાલી અને ભરેલ સિલિન્ડર તેમજ વેલ્ડીંગનો સમાન લઈને પરત આવતા હોય ત્યારે બોલેરો સુનિલભાઈ ચલાવતા હતા. તે દરમિયાન સુરજબારી પુલ પછી દેવ સોલ્ટ નજીક માળીયા(મી)ના હરિપર ગામના પાટીયા પાસે રોડ ઉપર આગળ જઈ રહેલ અજાણ્યા ટ્રકનો ઓવરટેક કરવા જતા, બોલેરો ટ્રકના પાછળના ભાગે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાલક સુનિલભાઈ, ઘનશ્યામભાઇ, આકાશભાઈ તથા કરણભાઈને માથામાં તેમજ શરીરે નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે ગેસ કટિંગનું કામ કરતો હિન્દી ભાષી અન્ના નામના મજૂરને વધુ ગંભીર ઇજા પહોચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની કરણભાઈની ફરિયાદને આધારે બોલેરો ચાલક આરોપી સુનિલભાઈ હળવદીયા વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









