ગુજરાતમાં દારુબંધી હોવા છતા દારુની હેરાફેરી થતી રહે છે. પોલીસથી બચવા દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા કિમિયા અજમાવતા રહે છે. હવે મોરબીમાં આવો જ નવો કિમિયો સામે આવ્યો છે. જેમાં બુટલેગરે દારૂ છુપાડવા વૃક્ષો વાવવાના ક્યારાનો ઉપયોગ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ટુ પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદીર પાછળ વોકળા કાંઠે રહેતા હરજીભાઇ ધીરૂભાઇ અદગામા નામના બુટલેગરે દારૂ છુપાડવા નવો કીમિયો અજમાવ્યો હતો. જેમાં બુટલેગરે વૃક્ષો વાવવાના ક્યારામાં દારૂની બોટલો વાવી દીધી હતી. જે દારૂ છુપાવવાના નવા કિમિયાનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ઘુંટુ ગામે હરજી ધીરુભાઈ અદગામા નામના બુટલેગરના ઘરે દરોડા પાડી રૂ.૧૯,૫૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ નં-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની ૫૨ બોટલો, રૂ.૧૦,૮૦૦/-ની કિંમતની ગ્રેવીટી ગ્રીન એપલ ફલેવર વોડકાની ૩૬ બોટલો તથા રૂ.૪,૨૦૦/-ની કિંમતની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૦૭ બોટલો મળી કુલ ૯૫ બોટલોનો રૂ.૩૪,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.