જમીન અને કુટુંબીક મનદુખને લઈને પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી.
ટંકારાના બંગાવડી ગામે પારિવારિક ઝઘડાનો બનાવ સામે આવ્યો છે. જેઠ અને જેઠાણીએ મહિલાને, તેના પતિ, દીકરી અને સાસુને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે મહિલાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બન્ને આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા તાલુકાના બંગાવડી ગામે પારિવારિક ઝઘડામાં ભાઈ-ભાભી દ્વારા ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા ઉવ.૪૫ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી કે, ગઇ તા. ૧૧/૧૨ના રોજ કંચનબેન અને તેમના પતિ ખેતરે કામે ગયેલા હતા ત્યારે તેમના ઘરે દીકરી કીર્તીબેન અને સાસુ કાંતાબેન હાજર હતા. તે સમયે તેમના કુટુંબી જેઠ આરોપી હરેશભાઈ પરસોતમભાઈ દેત્રોજા તથા જેઠાણી આરોપી મુકતાબેન હરેશભાઈ દેત્રોજા ઘરે આવી ગાળો બોલતા હોય તે બાબતે દીકરી દ્વારા ફોનથી જાણ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી કંચનબેન અને તેમના પતિ ઘરે પહોંચતા બંને આરોપીઓએ ફરીથી ગાળો આપી દીકરી-દિકરાના લગ્ન નહીં થવા દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બનાવ અંગેની ફરિયાદને આધારે ટંકારા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









