પરિવાર આગળના રૂમમાં સૂતો હોય ત્યારે પાછળના રૂમની બારી તોડી તિજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીનાની ચોરી.
હળવદના વેગડવાવ ગામમાં ઘરફોડ ચોરી અંગે અત્રેના પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પરિવારના સભ્યો રાત્રે જમીને આગળના રૂમમાં સુતા હોય ત્યારે પાછળના રૂમની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોનાના ૩૫ ગ્રામ દાગીના તેમજ ચાંદીના ૫૦૦ગ્રામ દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હોય, હાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને પશુપાલન અને ખેતી કરતા નરેશભાઈ માંડણભાઈ ગોયલ ઉવ.૩૭ ગઈ તા.૨/૦૩ના રોજ રાત્રીના પરિવાર સાથે પોતાના ઘરમાં સુતા હોય ત્યારે અજાણ્યા તસ્કરોએ પાછળના રૂમની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં તિજોરીમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે ૩૫ ગ્રામ કિ.રૂ.૧.૦૫ લાખ તેમજ ચાંદીના દાગીના ૫૦૦ગ્રામ કિ.રૂ.૨૫ હજાર એમ કુલ અલગ અલગ નાના મોટા સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૧.૩૦લાખના દાગીનાની ચોરી કરી લઈ ગયા હોય, હાલ નરેશભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.