મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે આલાપ રોડ નવરંગ પાર્ક ખાતે આવેલ રહેણાંકમાં દરોડો પાડતા વેપારી પ્રૌઢને વિદેશી દારૂની ૬ બોટલ સાથે ઝડપી લીધેલ છે, આ સાથે પકડાયેલ આરોપી વિદેશી દારૂ લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા બુટલેગર પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા તે બુટલેગર આરોપીને ફરાર દર્શાવી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે આલાપ રોડ ઉપર આવેલ નવરંગ પાર્ક-૧માં ધર્મેશભાઈ મહેતા નામનો વેપારી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવતા આરોપી ધર્મેશભાઈ સુરેશભાઈ મહેતા ઉવ.૫૨ મકાનના ફળીયામાં જ એક પ્લાસ્ટિકના ઝબલામાં વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૬ બોટલ સાથે પકડાય ગયો હતો. જેથી પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની ૬ બોટલ કિ.રૂ.૩,૩૬૬/- કબ્જે લઈ વિદેશી દારૂ વિશે પ્રાથમિક પૂછપરછ કરતા, આ વિદેશી દારૂ આરોપી ધર્મેશભાઈ લાતી પ્લોટ શેરી નં.૩-૪ વચ્ચે રહેતા શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા પાસેથી વેચાણ કરવાના હેતુસર લઈ આવ્યાની કબુલાત આપતા પોલીસે આરોપી શમશાદ ઉર્ફે સમીર કટીયાને આ ગુનામાં ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે, જ્યારે બંને આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.