કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સ હસ્તે વૃક્ષારોપણ કરાયું
સમગ્ર વિશ્વમાં ૫-જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વધતા જતા શહેરીકરણ અને પ્રદુષણના સમય માં વૃક્ષોનું જતન અને સંવર્ધન અગત્યનું છે. શહેરી વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં પર્યાવરણની જાળવણી માટે મોટા પાયે વૃક્ષોનું વાવતેર કરીને પૃથ્વી પર હરયાળુ કવર બની રહે તે માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે નાયબ વન સંરક્ષક, મોરબી, સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, મોરબી દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેક્ટર જે.બી.પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે કોરોના મહામારીની કપરી પરિસ્થિતીમાં કોરોના વોરિયર્સ દ્વારા રાત દિવસ એક કરી સ્વસ્થ સમાજ માટે ખુબજ મોટુ યોગદાન આપવામાં આવેલ છે જેથી આજે તેઓ દ્વારા વૃક્ષારોપણ કરાવી તેઓને સન્માનિત કરેલ.
નાયબ વન સંરક્ષક દ્વારા આ વર્ષ ની થીમ “ઈકોસિસ્ટમ રીસ્ટોરેશન” વિષે જણાવવામાં આવેલ. પર્યાવરણ અને ઓક્સિજનનું મહત્વ આ કોરોના કાળ દરમિયાન જ સમજાયું છે તેમ જણાવેલ જેથી વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ નું જતન કરીએ.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષી, નાયબ કલેક્ટર-મોરબી, પોલીસ નાયબ અધિક્ષક અને મામલતદાર-મોરબી ગ્રામ્ય, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું