કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે મોરબી તેમજ હળવદ તાલુકાના નવા દેવળીયામાં રૂ. ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પ્રશિક્ષિત કરાયા છે. આ તકે કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સંવર્ધનયોગ્ય પશુઓમાં કૃત્રિમ બીજદાનની કામગીરીનો વ્યાપ વધારવા અને આઈ.વી.એફ. જેવી આધુનિક પદ્ધતિ ઓછા ખર્ચે પોષાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે,
સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં રૂ.૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવા સરકારી પશુ દવાખાના, મોરબી તેમજ હળવદ તાલુકાના નવા દેવળીયા, પશુ દવાખાનાના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે રાજ્ય સરકારની નેમને પરિપૂર્ણ કરવા માટે રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારનો પશુપાલન પ્રભાગ પણ કટિબદ્ધ છે. ભારત સરકારની નેશનલ લાઈવસ્ટોક મિશન, નેશનલ એનીમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત FMD અને Brucella રસીકરણ, મોબાઈલ વેટરનરી યુનિટ, રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી વિવિધ યોજનાઓ થકી રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રને વધુ ઉન્નત બનાવવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ મળી રહ્યો છે. સાંસદ કેસરીદેવીસિંહજીએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ”પ્રતિ પશુ વધુ ઉત્પાદન મેળવી પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બને તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અનેકવિધ કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે.” વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન માટેની કૃત્રિમ બીજદાન અને આઈ.વી.એફ. ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત પશુપાલકોને તેઓશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. જેમાં જણાવાયા અનુસાર પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધનની સાથે પશુપાલકોને ઉચ્ચ કોટીના પશુઓના ઉછેર માટે પ્રોત્સાહન મળે તેમજ વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન વ્યવસાય માટે પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ પ્રદર્શન હરીફાઈ, જિલ્લા પશુપાલન શિબિર, તાલુકા પશુપાલન શિબિર, પ્રેરણા પ્રવાસ અને તાલીમ તેમજ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર જેવા અનેકવિધ વિસ્તરણલક્ષી કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર- કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે મોરબી જિલ્લામાં મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ માટે રૂ. ૪.૭૫ કરોડની રાજ્ય સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩- ૨૪ માં રાજ્યમાં કુલ રૂ. ૪૩૪ કરોડથી વધુ રકમની સહાય ગૌશાળા- પાંજરાપોળની ચૂકવવામાં આવી છે અને મોરબી જિલ્લામાં રૂ.૫ કરોડ ૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ પદાધિકારીગણ, ધારાસભ્ય જીતુ સોમાણી, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે.પ્રજાપતિ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરા ટમારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, નાયબ પશુપાલન નિયામક ડો.ફળદુ, સંસ્થાના ટ્રસ્ટી કાનજી જાળીયા, આજુબાજુના ગામમાંથી પધારેલા પશુપાલકો, સંસ્થાના કર્મયોગીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.