હળવદ પોલીસે બે આરોપી પાસેથી રૂ. ૨.૯૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી થયેલી કોપર કેબલની ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કર્યો છે. જેમાં બે આરોપીઓને ઝડપી લઈ, પોલીસે ૪૬૦ કિલોથી વધુનો કોપર વાયરનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી ઇલેક્ટ્રિક કોપર કેબલ વાયર ચોરીનો બનાવ બન્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને આધારે હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલવા કાર્યરત હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સુખપર ગામની સીમમાં બે શંકાસ્પદ વ્યક્તિઓને રોકી તપાસ કરતાં તેઓ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે પોલીસે આરોપી સુલતાન ઉર્ફે કાનો ધીરૂભાઈ પ્રભુભાઈ દેકાવાડીયા તથા આરોપી રવી ધનશ્યામભાઈ પ્રભુભાઈ દેકાવાડીયા બન્ને રહે. દેવપર સુખપર તા. હળવદ વાળા પાસેથી કુલ ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ કોપર વાયર, કિં.રૂ.૨,૯૯,૪૫૫/-, જે સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









