હળવદ જી.આઈ.ડી.સી નજીક આવેલ વિકાસ જીનીંગ ફેક્ટરીમાંથી ૧.૫૦ લાખ રૂપિયાના કેબલ વાયર ચોરી ગયાની ઘટના સામે આવી છે. છેલ્લા પાંચેક વર્ષથી બંધ હાલતમાં રહેલી ફેક્ટરીમાંથી બે અજાણ્યા ઈસમો દ્વારા ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઇલેકટ્રીક પેનલ બોર્ડમાં લાગેલ કેબલ વાયર કાપીને ચોરી કરી લઈ ગયા, સમગ્ર ચોરી થયાની ઘટનામાં સીસીટીવી ફૂટેજ આધારે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.
હળવદમાં જી.આઈ.ડી.સી નજીક આવેલી વિકાસ જીનીંગ નામની ફેક્ટરીમાંથી કેબલ વાયર ચોરીનો બનાવ બહાર આવ્યો છે. ફેક્ટરી માલિક અમીનભાઈ અલ્લારખાભાઈ કલાડિયા ઉવ.૩૫ રહે. કરાચી કોલોની હળવદ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, આ વિકાસ જીનિંગ ફેક્ટરી છેલ્લા પાંચેક વર્ષથી બંધ હાલતમાં છે અને હાલમાં પશુપાલન માટે તેનો ઉપયોગ થાય છે. ગઈ તા. ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ફેક્ટરીએ ગયા ત્યારે પેનલ રૂમમાં વાયર કપાયેલ હાલતમાં જોવા મળ્યા હતા. બાદમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવતા તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ની રાત્રે બે અજાણ્યા ઈસમો કારખાનામાં પ્રવેશી કેબલ વાયર કાપીને ચોરી કરતા જોવા મળ્યા હતા. ફેક્ટરીમાંથી આશરે ૩૫ થી ૪૦ ફુટ લાંબા ૫૦ જેટલા વાયર ટુકડાઓ કિ.રૂ.૧.૫૦ લાખના વાયર કાપી ચોરી કરાયા હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.