મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી પત્તાપ્રેમીઓને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પંચાસર રોડ ગીતા ઓઇલ મીલના પાછળના ભાગે અમુક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા જુગાર રમતા મહમદભાઇ જીવાભાઇ પરમાર, ગુલામહુશેન નુરમામદભાઇ પીપરવાડીયા, હનીફભાઇ આદમભાઇ કઇડા અને હાસમભાઇ કાસમભાઇ ગાધ નામના શખ્સો મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી તેમની પાસે રહેલ રોકડા રૂપીયા-૩,૯૨૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જયારે બીજી બાજુ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે ફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પારસ ઉર્ફે સુલતાન ગીરધાભાઇ વાઘેલા, ગોવિંદભાઇ ગોરધનભાઇ સનુરા, પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા તથા નાનજીભાઇ જીવણભાઇ કુંવરીયા નામના કુલ ચાર ઈસમોને પકડી પાડ્યા છે. અને તેમની પાસે રહેલ કુલ રોકડા રૂ.૨૫,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી છે. જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મેસરીયાથી અદેપર જતા રોડ પર ખોડીયારમાંના મંદીર સામે અદેપર ગામની સીમમાં આવેલ તળાવ કાંઠે અમુક પત્તાપ્રેમીઓ જુગાર રમી રહ્યા છે, જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરી સ્થળ પરથી રમેશભાઇ મીઠાભાઇ મેર, રમેશભાઇ ઉર્ફે દેવો માવજીભાઇ ચૌહાણ, છગનભાઇ રામજીભાઇ ગોરીયા તથા વનાભાઇ ગેલાભાઇ મેર એમ કુલ ચાર શખ્સોને જુગાર રમતા રંગે હાથ પકડી પાડ્યા છે. અને તેમની પાસેથી કુલ રોકડ રૂપીયા-૧૭,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.