ઘરધણી ફળિયામાં સૂતા હોય ત્યારે તસ્કરો પાછળના ભાગે રસોડાના દરવાજાના નકૂચા તોડી મસમોટી માલમત્તા ઉસેડી ગયા
મોરબી તાલુકાના કેરાળા(હરીપર) ગામે અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવી રહેણાંક મકાનમાં ખેડૂત પરિવારને ઊંઘતા રાખી મકાનના પાછળના ભાગે આવેલ રસોડાના દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરીને તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણાં તથા ૧.૫૦ લાખ રોકડા સહિત રૂપિયા ૩.૫૨ લાખથી વધુની માલમત્તા અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયા હતા. હાલ મકાન માલિક દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરી અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળા(હરીપર) ગામે રહેતા અમરશીભાઈ શીવાભાઈ ચારોલા ઉવ.૬૮એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.૨૦/૦૬ ના રોજ અજાણ્યા ચોર ઈસમો રાત્રીના ૧૧ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધીમાં કોઈપણ સમયે ફરીયાદી અમરશીભાઈના ઘરના પાછળના ભાગે રસોડાના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમના લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના કિં.રૂ. ૨,૦૨,૧૧૨ તથા રોકડ રૂ.૧,૫૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી તેમજ ફરીયાદીના નાનાભાઈ દિનેશભાઇના મકાનનો મેઈન દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.