મોરબીના સામાકાંઠે ૧૫ વર્ષીય કિશોર બાઇક ચલાવતા પકડાયો, પિતા સામે એમવી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
મોરબીના માળીયા ફાટક નજીક ટ્રાફિક ચેકિંગ કામગીરી દરમ્યાન ૧૫ વર્ષીય કિશોર બાઈક ચલાવતો મળી આવતા પોલીસે નાબાલિકના પિતા સામે મોટર વ્હિકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પિતા દ્વારા જાણકારી હોવા છતાં પણ બાળકને વાહન ચલાવવા આપવાના ગુના બદલ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટ્રાફિક ટીમ દ્વારા તા. ૦૩ મે ના રોજ માળીયા ફાટક નજીક ટ્રાફિક કામગીરીમાં હોય તે દરમિયાન એક નાબાલિક કિશોર બજાજ વિક્રાંત રજી.નં. જીજે-૩૬-ડી-૯૨૩૭ વાળું બાઈક ચલાવતા ઝડપાયો હતો. તેની પૂછપરછમાં કિશોરે પોતાનું નામ રાજ હરેશભાઈ વામજા ઉવ.૧૫ પ્રભુકૃપા રેસીડેન્સી, જાનકી એપાર્ટમેન્ટ, મોરબી-૨ હોવાનું જણાવ્યું. જે બાઈક તેના પિતાનું હોવાની માહિતી આપી હતી.
આથી પોલીસે તુરંત કિશોરના પિતા હરેશભાઈ દેવરાજભાઈ વામજા ઉવ.૫૨ વાળાને સ્થળ ઉપર બોલાવ્યા હતા. અને પોતે પોતાનો પુત્ર નાબાલિક હોવાનું જાણતા હોવા છતાં બાઇક ચલાવવા આપ્યું હોવાની કબૂલાત આપતા, બી ડિવિઝન પોલીસે આરોપી હરેશભાઇ વામજા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ ૩, ૪ અને ૧૮૦ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.