મોરબી મહાનગરપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાએ શહેરમાં ચાલી રહેલા ૫ અલગ-અલગ સ્થળોના સી.સી. રોડના કામોની વિગતો જાહેર કરી છે. કુલ ૩.૬૧ કરોડથી વધુના ખર્ચે ચાલી રહેલા આ કામોમાં કેટલાક વિસ્તારોમાં કામ પૂર્ણ થયું છે તો કેટલાક સ્થળોએ કાર્ય ચાલુ છે.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓને મજબૂત અને સુવિધાસભર બનાવવા માટે જુદા-જુદા વિસ્તારોમાં સી.સી. રોડના કામો હાથ ધર્યા છે. તા.૦૮ ઓગસ્ટ ૨૦૨૫ની યાદી અનુસાર શરૂ થયેલા આ કામો અંગેની વિગતો મુજબ, કેસર બાગ થી એલ.ઈ. કોલેજ સુધી ૩૫૦ મીટર સીસી રોડ વર્ક પૂર્ણ, ક્રિષ્ના સ્કૂલ થી એસ.પી. રોડ સુધી શરૂ કરેલ સીસી રોડમાં ૧૦૦ મીટર વર્ક પૂર્ણ. આ ઉપરાંત ચિત્રકૂટ સોસાયટી શેરી નં.૧,૨,૩માં શેરી નં.૨ અને ૩નું કામ પૂર્ણ, શેરી નં.૧નું કામ હાલ ચાલુ છે. આ સિવાય કેદારીયા હનુમાન થી સેન્ટ મેરી ફાટક સુધીના કાર્યમાં ૩૦૦ મીટર પીસીસી વર્ક પૂર્ણ. જ્યારે ચામુંડાનગર વિસ્તારમાં ૧૦૦ મીટર પીસીસી વર્ક પૂર્ણ થયું છે. વધુમાં મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઉપરોક્ત તમામ કામો ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ રોડવર્કના પૂર્ણ થવાથી શહેરવાસીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને વધુ સારી શહેરી સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ યાદીમાં જણાવાયું છે.