“સીરામીક કોન્ક્લેવ ફોર વિકસિત ભારત- ક્વોલિટી મીટ્સ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સેમિનારમાં સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવા પર ભાર મુકાયો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂ.૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. થયા.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં એક્ઝિબિશન ડોમ ખાતે સિરામિક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું એ સમયની માંગ છે. બિલ્ડીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા સીરામીક ઉદ્યોગની તાકાત તેની વિશ્વસનીયતા અને ઉચ્ચ ગુણવત્તા છે ત્યારે સીરામીક ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોરબી ખાતે ધમધમતા સીરામીકના ૮૦૦ પ્લાન્ટ માટે સરકાર ઉચ્ચકક્ષાની લેબોરેટરી સ્થાપવા માટે સક્રિયપણે વિચારી રહી છે. વૈશ્વિક બજારમાં ઊભી થયેલી સિરામિક ક્ષેત્રની માંગને પહોંચી વળવા માટે સીરામીક ઉદ્યોગે સતત અને સખત સંશોધનો પર વિશેષ ભાર મૂકવો પડશે. ઉચ્ચ કક્ષાના ગુણવત્તા નિયમન પ્રત્યે સીરામીક ઉદ્યોગોએ આંખ આડા કાન કરવા નહીં ચાલે. વૈશ્વિક કક્ષાની સ્પર્ધા સિરામિક ઉદ્યોગને વધુ સક્ષમ બનાવશે, ” વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત સૌરાષ્ટ્ર”ની શરૂઆત “વિકસિત મોરબી” થી કરવા માટે બધા કટિબદ્ધ બનીએ, તેઓ અનુરોધ મંત્રી ગોયલે ઉપસ્થિતોને કર્યો હતો
આ સેમિનારમાં રાજ્ય સરકાર અને મોરબીના સિરામિક ઉદ્યોગો વચ્ચે રૂપિયા ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણી તથા જયરામ ગામીત, ઉદ્યોગ સચિવ મમતા વર્મા અને મોરબી સીરામીક ઉદ્યોગના અગ્રણીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.









