રાત્રીના સમયે રોડ ક્રોસ કરી રહેલ ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે કરૂણ મોત.
મોરબી જીલ્લામાં હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે, હાઇવે ઉપર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પુરપાટ ગતિએ ચાલતા વાહનો નિર્દોષ લોકોને કીડી-મકોડાની જેમ હડફેટે લઈને અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી જતા હોવાની છાસવારે બનતી ઘટનાઓમાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર રોડ ઉપર રાત્રીના ભાગે રોડ ક્રોસ કરી રહેલા સીરામીક શ્રમિકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા, માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા ૧૯ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિટ એન્ડ રન અકસ્માતની મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેરના ઢુંવા નજીક સનરે સીરામીકમાં રહેતા દયારામ બુધેસિંઘ ઉર્ફે બુધીયા ડાવર ઉવ.૨૫ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું છે કે ગઈ તા.૨૦/૦૫ના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઢુવા ઓવરબ્રીજ ઉતરતા ટોપ સીરામીક સામે ફરિયાદી દયારામના ભાઈ દીલીપભાઇ બુધેસિંઘ ઉર્ફે બુધીયા ડાવર ઉ.વ.૧૯ સનરે સીરામીક ભવાની કાટા પાસે ઢુવા તા.વાંકાનેર મુળ રહે.મોહનપુરા તા.તેરલા જી.ધાર રાજ્ય-મધ્યપ્રદેશ વાળો રોડ ક્રોસ કરતો હતો ત્યારે તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરપાટ ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ફરીયાદીના ભાઇને હડફેટ લેતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચાતા તેમનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના હવાલા વાળુ વાહન લઇને નાશી ગયો હતો. તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.