મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમયના ગેટ નજીક ક્રોમા સેન્ટર પાસે રાત્રીના સમયે ચાલીને જઈ રહેલા મધ્યપ્રદેશના વતની એવા સીરામીક શ્રમિકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા, યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ૧૦૮ મારફત મોરબી સિવિલમાં ખસેડતા જ્યાં ટૂંકી સારવારમાં સીરામીક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલ અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં મૃતકના ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબીમાં હિટ એન્ડ રનના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના સુરજી મુઘજી સાત થાનાના વતની હાલ ઢુંવા નજીક કારખાનામાં રહેતા ટીટુ રમેશભાઈ ડામોર ઉવ.૩૧ ગઈ તા.૧૮/૦૬ના રોજ રાત્રીના ૮ વાગ્યા પહેલા કોઈ સમયે ચાલીને શનાળા રોડ ઉપર જઈ રહ્યા હોય ત્યારે સમયના ગેટ નજીક ક્રોમા સેન્ટર પાસે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી ચાલીને જઈ રહેલ ટીટુ ડામોરને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. બીજી બાજુ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ટીટુ ડામોરને ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નોપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માત મામલે મૃતકના ભાઈ કાનજીભાઈ રમેશભાઈ ડામોર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.