મોરબીમાં સીજીએસટીની ટીમ દ્વારા ટેક્સ ચોરી કરતા ઈસમો પર તવાઈ બોલાવી હતી. અને બે કારખાનેદાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેય આરોપીઓને ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ કોર્ટમાં રજુ કરાતા બંન્ને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે 14.66 કરોડ રૂપિયાની ટેકસ ચોરીના કેસમાં ત્રણેય આરોપીઓની જામીન નામંજુર કરી જ્યુડીસ્યલ કસ્ટડીમાં મોકલાવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેકસસ સિરામિકનાં ડાયરેકટર અનિલ બાબુભાઈ દેત્રોજા અને હિતેશ બાબુભાઈ દેત્રોજા તેમજ લેક્સેસ કંપનીના એકાઉન્ટટ રાજેશ રણછોડભાઈની ટેક્સ ચોરીના ગુન્હામાં સીજીએસટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેઓને ચીફ જ્યુડીસ્યલ મેજિસ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય આરોપીઓ દ્વારા જામીન માટેની અરજી કરવામાં આવી હતી. જે મામલે આજે કોર્ટમાં બંને પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી જેમાં બંને પક્ષના વકીલોએ કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે હાલમાં ઓરલી ઓર્ડર કરીને જામીન અરજી નામંજૂર કરેલ છે. તેમજ આ અંગેનો ઓર્ડર આવતીકાલે સાંજે કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અને માલની ખરીદ વેચાણમાં અન્ડર વેલ્યુ બિલ અને બિલ વગર માલ આપવામાં આવ્યો હોય તેવું સીજીએસટીની ટીમને ધ્યાન ઉપર આવ્યું હતું જેની તપાસ દરમિયાન કુલ મળીને 14.66 કરોડથી વધુની ટેક્સ ચોરી સામે આવી હતી જેથી કરીને સીજીએસટીની ટીમ દ્વારા ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ CGST ટીમ દ્વારા લેપટોપ, પેન ડ્રાઇવ જેવા ઇલેક્ટ્રોનિક સાહિત્ય કબ્જે કરીને ઊંડી તપાસ શરૂ કરી છે જેને અંતે આ ટેક્સ ચોરીનો આંકડો ઊંચો જાય તેવી શકયતા ઓ સેવાઈ રહી છે.