હળવદ નગરપાલિકા કચેરીમાં અધિકારીઓ મનમાની ચલાવતા હોય સમયસર હાજર ન થતા હોય ઉપરાંત પીવાના પાણી અને સ્ટ્રીટ લાઈટ સહિત અનેક સમસ્યાઓ અંગે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા હળવદ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી સાત દિવસમાં તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્ર દોડતું થયું છે.
પ્રમિલાબેન મોહનભાઇ પરમારે કરેલી રજુઆતમાં જણાવ્યું કે હળવદ નગરપાલિકામાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓની બેદરકારી અંગે લોકોમાંથી રાવ ઉઠી રહી છે વધુમા ઓફીસમાં કામ કરતા કર્મચારી અરજદારોને ધક્કા ખવડાવવા હોય અને અમુક કર્મચારીઓ ફરજ પર ન હોય છતાં હાજરી પુરાવતા હોવાના પણ આક્ષેપો થાય છે.
તેમજ સરા રોડ સોસાયટીમાં ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે આવતુ હોય જે બાબતે અનેક વખત મૌખીક રજુઆત કરવા છતાં સમસ્યા ઉકેલાય નથી. વધુમાં હળવદ નગરપાલિકા દ્રારા ગટરની એજન્સીને ચુકવવામાં આવતી બીલની છેલ્લા 6 માસ બીલમાં ગેરરીતે જણાય છે. સ્ટીટ લાઇટો પણ ઘણી બધી બંધ હાલતમા છે.આ બાબતે સાત દિવસમાં યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો ના છુટકે નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન અને આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.