ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ અત્યંત ખતરનાક બની ગયું છે. આ વાવાઝોડું ઝડપથી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. કચ્છના માંડવી વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ચક્રવાતને કારણે પવન 125 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યો છે. તોફાની પવનના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વૃક્ષો અને થાંભલાઓ પડવા લાગ્યાં હતાં. ત્યારે મોરબીના પીપળીયા ચોકડી પાસે આવેલું ચાંચાવદડા ગામ પણ વાવાઝોડાના કારણે સંપર્ક વિહોણું બન્યું હતું. ચાંચાવદડા ગામમાં જવાનાં રસ્તે વૃક્ષ પડી જતા રસ્તો બંધ થયો હતો. તેમજ ગામડાઓમાં ખેતરમાં પાણી ભરાયાં હતા. જો કે, હજી પણ પવન અને વરસાદ યથાવત રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.