મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તારીખ 29 અને 30 મેંના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગઈકાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મોરબીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય બફારા વચ્ચે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમજ બપોરે 12 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આજે મોરબીમાં સતત બીજા દિવસે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને મોરબી અને હળવદમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. જેને જોતા મોરબી શહેર પર ગાઢ વાદળોનું સામ્રાજ્ય છવાયું હોય તેવું લાગી રહ્યું છે. મોરબી પંથકના વાતાવરણમાં પલટો આવતા મીની વંટોળિયા આવ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેમજ પવનના લીધે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે. જયારે હવામાન વિભાગ દ્વારા બપોરે 12 વાગ્યા સુધી વરસાદ પડે તેવી આગાહી પણ કરવામાં આવી છે. તેમજ 12 વાગ્યા સુધી 7 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોરબીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.