મોરબીમાં કાયાજી પ્લોટમાં આવેલ આશુતોષ હાઈટ્સના એક જ ફ્લેટને અલગ-અલગ વ્યક્તિને વેચાણ માટે સાટાખત કરી OLX પર ફરી જાહેરાત મૂકીને છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફ્લેટ ઉપર લોન હોવા છતાં છુપાવી રાખી બે લોકોને સાટાખત કરી નાણાકીય છેતરપિંડી કરવામાં આવી હોવાની ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરમાં એક જ ફ્લેટને બે વખત વેચાણ માટે સાટાખત કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તારમાં નાની હનમાન ડેરી ચુડાના ઉતારાવાળી શેરીમાં રહેતા વેપારી સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી (ઉવ.૫૯ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, તેમના પિતા મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને માતા હીનાબેન મહેતા ત્રણેય રહે. આશુતોષ હાઈટ્સ, ફ્લેટ નં. ૧૦૧, કાયાજી પ્લોટ-૬, શનાળા રોડ, મોરબી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં તા. ૧૯/૦૬/૨૦૨૫ના રોજ આરોપી પાર્થ મહેતાએ OLX એપ્લિકેશન પર સેમી ફર્નીચર સાથેનો ફ્લેટ વેચાણની જાહેરાત મૂકેલી. જાહેરાત જોઈ ફરિયાદી તથા તેમના પુત્ર ભાવીનભાઈ ફ્લેટ જોવા ગયા હતા. આરોપીઓએ ફ્લેટ ઉપર કોઈ લોન કે ગીરો નથી તેવું ખોટું જણાવ્યા બાદ રૂ. ૪૧.૨૫ લાખમાં સોદો નક્કી કરી રૂ. ૧૧,૦૦૦ ટોકન રકમ લીધી હતી. ત્યારબાદ તા. ૨૭/૦૬/૨૦૨૫ના રોજ રોકડ અને ચેક મળી કુલ રૂ. ૧૩.૮૯ લાખ મેળવી ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર સાટાખત કરી આપવામાં આવ્યો હતો.
ત્રણ મહિનામાં દસ્તાવેજ કરવાની વાત બાદ સમય પસાર થવા છતાં દસ્તાવેજ ન થતાં ફરિયાદીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે ફ્લેટ ઉપર કેપ્રી ગ્લોબલ ફાઇનાન્સમાંથી અંદાજે રૂ. ૩૨ લાખની લોન લેવામાં આવી છે. વધુ તપાસમાં ખુલ્યું કે આ જ ફ્લેટ અગાઉ ચેતનાબેન નરેશભાઈ જોષીને રૂ. ૪૭ લાખમાં વેચાણ માટે સાટાખત કરી રૂ. ૨૯ લાખ લેવાયા હતા. આટલું જ નહીં, હાલ પણ આરોપીઓ દ્વારા OLX એપ્લિકેશન પર ફરીથી ફ્લેટ વેચાણની જાહેરાત મૂકવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એક જ ફ્લેટને અલગ-અલગ લોકોને વેચાણ કરી ખોટી સાટાખત બનાવી નાણાકીય લાભ મેળવવા કરવામાં આવેલ કાવતરા માટે વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









