Saturday, March 29, 2025
HomeGujaratમોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૯ રોડ રસ્તાના કામોનું ખાતમુર્હુત કર્યું:હાલમાં રાજ્યભરમાં મોરબી...

મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૯ રોડ રસ્તાના કામોનું ખાતમુર્હુત કર્યું:હાલમાં રાજ્યભરમાં મોરબી જિલ્લો ફર્સ્ટ ગ્રેડ:સીએમનું નિવેદન

વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી વિરાસત ભી’ મંત્રને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર ઐતિહાસિક નગરી મોરબીના વિકાસ માટે પ્રતિબદ્ધ

- Advertisement -
- Advertisement -

આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મોરબી જિલ્લાના અંદાજે રૂ.૧૮૭ કરોડના કુલ ૪૯ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહુર્તથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

મોરબીના રવાપર ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાથી શહેરના વિકાસને વધુ ગતિ મળશે.‌ આજે વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ અને ખાતમૂહુર્તથી નાગરિકોની સુખાકારી વધશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ બંન્ને નવી ઉંચાઈએ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના કાર્યક્રમને મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી આપવાનો એક મહત્વનો અવસર ગણાવ્યો હતો.‌

મુખ્યમંત્રીએ મોરબીવાસીઓને વિકાસકામોની ભેટ આપતા આનંદ સાથે જણાવ્યું હતું કે, આ વિકાસકાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈ-વે જેવા માર્ગોની સુવિધા ઉપલબ્ધ થશે અને નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વડાપ્રધાનશ્રીના “વૂમન લેડ ડેવલપમેન્ટ” વિકાસમંત્રનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, આજે મયૂર ડેરીમાં અંદાજે રૂ. ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે બે લાખ લિટરની કેપેસિટીના ચીલિંગ પ્લાન્ટના ખાતમૂહુર્તથી મોરબી જિલ્લાના ૧૮,૦૦૦થી વધુ મહિલા દૂધ-ઉત્પાદકોને સીધો જ લાભ મળશે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ વિકસાવવાના સરકારના ઉમદા પ્રયાસોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૫ હજારથી વધુ ગામોને ૮૦ હજાર કિલોમીટરના બારમાસી રોડની કનેક્ટિવિટી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મળી છે. આ કનેક્ટિવિટી અને ગામડાંઓના શહેરો સાથેના જોડાણનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને આપ્યો હતો. સરકાર લોકોની વાત જાણીને લોકો માગણી કરે એ પહેલા જ વિકાસકાર્યોની ભેટ આપી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.‌

મોરબીને મહાનગરપાલિકાને દરજ્જો મળવાથી નાણાંના અભાવે કોઈ જ વિકાસકાર્યમાં વિલંબ નહીં થાય અને નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ મળશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મોરબી શહેરમાં નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા અને બ્યૂટિફિકેશનના અંદાજે રૂ. ૩૦૦ કરોડના કામો પ્રગતિમાં છે. મોરબી અને સિરામિકને એકબીજાના પર્યાય ગણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી એવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.

વડાપ્રધાનના દિશાદર્શનમાં રાજ્ય સરકાર મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ માટે પ્રતિબદ્ધ છે, એમ ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવા રૂ. ૧૪૬૧ કરોડના ખર્ચે ૪૨૫ એકર વિસ્તારમાં જી.આઈ.ડી.સી.-સિરામિક પાર્કનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.‌ મોરબી સિરામિક ઉદ્યોગની સાથે જ નવલખી બંદર ખાતે રૂ. ૧૯૨ કરોડના ખર્ચે નવી જેટી સરકારે મંજૂર કરી છે. મોરબી ઉદ્યોગની સાથે જ મેડિકલ ક્ષેત્રમાં પણ આગળ વધે, મોરબીના યુવાઓને ઘર આંગણે મેડિકલ શિક્ષણ મળે અને જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળે તે માટે રૂ. ૪૯૮ કરોડના ખર્ચે મેડિકલ કોલેજનું કામ અંતિમ તબક્કામાં છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ મોરબીને ઐતિહાસિક શહેર ગણાવીને જણાવ્યું કે, વડાપ્રધાનએ આપેલા ‘વિકાસ ભી વિરાસત ભી’ મંત્રને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે મોરબીની ઐતિહાસિક એલ.ઈ. કોલેજના હેરિટેજ રિસ્ટોરેશન સાથે રાજાશાહી સમયના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અને જનજનની સુખાકારી માટે વડાપ્રધાનના દિશાદર્શનમાં સરકાર અવિરત પ્રતિબદ્ધ છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે સૌએ સાથે મળીને સુદ્રઢ અને સર્વગ્રાહી વિકાસ આયોજનોથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે સહભાગી થવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી કે, વડાપ્રધાનના આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન, કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ, જેવા જન-અભિયાનોથી દરેક નાગરિકને રાષ્ટ્ર-નિર્માણમાં સહભાગી બનવું જોઈએ. દરેક નાગરિક સ્વચ્છતા જાળવે, પર્યાવરણ બચાવવા આગળ આવે અને જળ સંચયના કાર્યમાં સહયોગ આપીને વિકસિત ભારતના નિર્માણમાં મદદરૂપ થાય તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં મોરબી સહિત ગુજરાતભરમાં અનેક વિકાસકાર્યો સંપન્ન થયા છે. મોરબી માટે આજે લોકાર્પણ અને ખાતમૂહુર્ત થનારા વિવિધ વિકાસ કામો માટે સાંસદએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી આજે વૈશ્વિકકક્ષાએ સિરામિક હબ બનીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહ્યું છે આ વાતની ખુશી સાંસદએ વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર કે.બી ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરકારના એક સાદને અનેક પ્રતિસાદ આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ગત વર્ષે મોરબીના મચ્છુ – ૨ ડેમના ૫ દરવાજા રિપેર કરવા સરકારે તાત્કાલિક મંજૂરી આપી જેથી ભારે વરસાદ સમયે મોટી હોનારત નિવારી શકાઈ અને અતિવૃષ્ટિ બાદ જિલ્લાના ૮૪,૭૦૦ ખેડૂતોને સરકાર દ્વારા ૨૪૧ કરોડથી વધુની માતબર સહાય ચૂકવવામાં આવી તે બદલ જિલ્લા કલેક્ટરએ મુખ્યમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ મોરબીને વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પિત અને ખાતમૂહુર્ત થયેલા વિકાસકામોની વિગત :

માર્ગ અને મકાન સ્ટેટ હસ્તક રૂ. ૫૫.૬૭ કરોડના ખર્ચે રવાપર – ઘુનડા – સજનપર રોડના વાઇડનીંગ કામનું ખાતમૂહુર્ત, માર્ગ અને મકાન પંચાયત હસ્તક રૂ. ૩૫ કરોડના ખર્ચે એન.એચ. થી લખધીરપુર – કાલિકાનગર – નીચી માંડલ રોડના વાઇડનીંગ કામનું ખાતમૂહુર્ત, રૂ. ૨૦ કરોડના ખર્ચે મોરબીના લાલપરથી વીરપર રોડના નોન પ્લાન કાચાથી પાકા રોડના કામનું ખાતમૂહુર્ત, માર્ગ અને મકાન સ્ટેટ હસ્તક રૂ. ૮.૫૦ કરોડના ખર્ચે વાંકાનેર – જડેશ્વર – લજાઈ રોડના રિસર્ફેસીંગ કામનું લોકાર્પણ તથા રૂ. ૧૫.૫૪ કરોડના ખર્ચે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી) ના ચિલીંગ પ્લાન્ટ, હળવદનું ખાતમૂહુર્ત સહિત મોરબી તાલુકાના ૧૮, હળવદ તાલુકાના ૧૦, ટંકારા તાલુકાના ૯, વાંકાનેર તાલુકાના ૬ અને માળીયા તાલુકા ૬ મળી કુલ રૂ. ૧૮૭.૪૬૦ કરોડના ૪૯ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય સર્વ કાંતિભાઇ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, જીતુભાઇ સોમાણી,પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજા૫તિ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, મહિલા ડેરીના ચેરમેન સંગીતાબેન કગથરા,જયંતિભાઇ રાજકોટીયા, હિતેષભાઇ ચૌધરી, કે.એસ.અમૃતિયા,નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા સહિતના મહાનુભાવો તેમજ મોરબી જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!