મોરબી શહેરમાં સામાકાંઠા વોર્ડ નં.૩ અરૂણોદયનગરમાં ભુગર્ભ ગટરની લાઇન અતિ બિસમાર હાલતમાં હોય જેથી ગટરના ગંદા પાણી લોકોના ઘરોમાં નીકળી રહ્યા હોય જેથી આ બાબતે ઝડપી કામગીરી હાથ ધરી ઉપરોક્ત પ્રશ્નનું નિરાકરણ લાવવા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૩ ની અરૂણોદયનગર સોસાયટીમાં જૈન દેરાસરની બાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરની લાઈન અતિ બિસ્માર હાલતમાં છે અને આ ભુગર્ભ ગટરના પાણી લોકોના ઘરોમાં નિકળી રહયા છે. ગટરના ગંદા પાણીથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ ખુબ જ બહોળા પ્રમાણમાં વધી ગયો છે. જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નિકળેલ છે, તેમજ આ વિસ્તારમાં ધારાસભ્યનું આવાસ પણ બાજુમાં જ છે. ત્યારે નગરપાલીકાની ટીમ છેલ્લા ૧૫ દિવસથી ભૂગર્ભ ગટરની લાઇન બાબતે કામગીરી કરી રહી હોય ત્યારે આ બાબતે ઝડપી અને નક્કર કામગીરી હાથ ધરી તાત્કાલીકના ધોરણે ગટરનું રીપેરીંગ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા વિનંતીસહ રજુઆત કરવામાં આવી હતી.