વાંકાનેર તાલુકાના મહીકા ગામે ખેતર વચ્ચે લોડર ચલાવવાના વિવાદથી બોલાચાલી, મારામારી અને ધમકીઓ સુધી બાબત પહોંચી હતી. જે બાબતે ત્રણ યુવાનો ઉપર ધોકા લઈને હુમલો થવાની ભીતિ સર્જાતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી, જેમાં ૧૬ વર્ષીય સગીરનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર બનાવ અંગે મૃતકના કાકા દ્વારા પાંચ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ગોબરભાઈ ભરવાડ રહે. સમઢીયાળા તા.વાંકાનેર, વિઠ્ઠલભાઇ મોતીભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈનો દીકરો ભરતભાઇ બન્ને રહે.કોઠી ગામ તા.વાંકાનેર તથા આરોપી હનીફભાઈ તથા હેમેશભાઈ પટેલ રહે.બન્ને મહિકા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, વાંકાનેર તાલુકાના મહીકા ગામે ખેતર વચ્ચે લોડર કાઢવા મુદ્દે આરોપી ગોબરભાઈ ભરવાડ તથા તેમના સાથીઓ અને ફરિયાદીના દીકરાઓ વચ્ચે ગંભીર ઝગડો થયો હતો. ઝગડામાં કલ્પેશભાઈ અને યશભાઈને ઢીકા-પાટુનો માર મારવામાં આવતા બંનેને મુંઢ ઈજાઓ થઈ હતી. બાદમાં પાંચેય આરોપીઓ ધોકા લઈને ફરી પાછા હુમલો કરવા આવી રહ્યા હોવાથી મારી નાખવાની ભીતિએ ત્રણેય યુવકોએ વાડામાં પડેલી રીંગણાં ના પાકમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. જેથી ત્રણેયને તાત્કાલિક વાંકાનેર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. સારવાર દરમ્યાન ફરિયાદીના ભાઈનો દીકરો યશભાઈ ઉવ.૧૬નું મોત નિપજ્યું હતું, જ્યારે બંને દીકરાઓ બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પંદર દિવસથી જમીન ખાલી કરવાની ધમકીઓ આપતા આરોપીઓ દ્વારા સતત મનદુઃખ ચાલી રહ્યું હતું, જેને કારણે પરિસ્થિતિ વધુ બગડી હોવાનું પણ પરિવાર દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









