સુરક્ષિત કિનારો,સમૃદ્ધ ભારત-૩૦૦૦ કિમીનો પ્રવાસ ડ્રગ્સ, શસ્ત્રો, વિસ્ફોટકોના જોખમ સામે પ્રજામાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય.
મોરબી:C.I.S.F. ના ૫૬મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છથી કન્યાકુમારી સુધી યોજાઈ રહેલી રાષ્ટ્રીય જાગૃતિ સાયકલ રેલી મોરબી જીલ્લામાં પહોંચી હતી. “સુરક્ષિત કિનારો,સમૃદ્ધ ભારત” ની થીમ સાથે ૨૫ દિવસમાં ૩૦૦૦ કિમીનો આ પ્રવાસ ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોના જોખમ સામે પ્રજામાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં જનજાગૃતિ ફેલાવવા સંદેશવાહક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રેલીનું મોરબી જીલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (C.I.S.F.) દ્વારા કચ્છથી કન્યાકુમારી સુધીની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૪ મહિલા સહિત ૭૫ સાયકલ સવાર અને ૫૦ જેટલા સપોર્ટિંગ સ્ટાફ સાથે કુલ ૧૨૫ જવાનોનો કાફલો મોરબી જીલ્લામાં આવી પહોંચ્યો હતો. માળીયા(મી)અવધ ઓનેસ્ટ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ દ્વારા આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૧૫ કિમીનો અંતર કાપી કાફલો સરવડ મુકામે રાત્રી રોકાણ માટે પહોંચ્યો હતો.