મોરબીનાં વજેપર ગામની સીમમાં આવેલ જમીનમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મહિલાએ જમીનના મૂળ માલિકના મરણના ખોટા દાખલા બનાવી પોતે મૃતકનાં સગામાં થાય છે. તેવું દર્શાવી જમીન પચાવી પાડી હતી. આટલું જ નહિ મહિલાએ જમીન બરોબર વેચી નાખતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના બાયપાસ રોડ પર મેઇન કેનાલની બાજુમાં આવેલ શીયાળની વાડીમાં રહેતા ભીમજીભાઇ બેચરભાઇ નકુમે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ભીમજીભાઇના પિતાજી બેચરભાઇ ડુંગરભાઇ નકુમની વજેપર ગામની સીમમાં ખાતા નંબર-૧૫૮, સર્વે નંબર-૬૦૨ વાળી ૧-૫૭-૮૩ હે.આરે.ચો.મી. ખેતીની જમીન જે-તે સ્થિતિમાં હોય અને વારસાઇ કરાવેલ ન હોય જેનો ફાયદો ઉઠાવી, શાંતાબેન મનજીભાઇ પરમારે ભીમજીભાઇના માતા-પિતાના મરણના ખોટા દાખલા બનાવી તથા ખોટો વારસાઇ પેઢી આંબો બનાવી, ભીમજીભાઇના પિતાના ખોટા વારસદાર તરીકે પોતાના નામની ખોટી વારસાઇ એન્ટ્રી કરાવી, ફરીયાદીની વડીલો પાર્જીત ખેતીની જમીન બારોબાર સાગર અંબારામભાઇ ફુલતરીયાને વેચી દીધી હતી. તેથી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મહિલા અને જમીન ખરીદનાર સાગર ફુલતરિયા સહિત બે ઇસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.