હાલ લોકો થોડા જ રૂપિયાઓ માટે એકબીજાની હત્યા કરતાં અચકાતા નથી ત્યારે મોરબીમાં એક નહિ પણ બે બિરદાવવા લાયક કિસ્સાઓ સામે આવ્યો છે. જેમાં મોરબીની નેત્રમ ટીમે ખીસ્સામાંથી પડી ગયેલ બે પાકીટ તેમના મૂળ માલિકોને પરત કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગત તા.૨૭/૦૬/૨૦૨૩ ના રોજ મેંદપરા ધવલભાઇ હરેશભાઇ (રહે.વૃંદાવન પાર્ક, તુલસી પેલેસ, કેનાલ રોડ, મોરબી)નુ પાકીટ ઇકો કારમાં ભુલાઇ ગયેલ હોય જે પાકીટમાં આધારકાર્ડ પાનકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ જેવા ઓરીઝનલ ડોક્યુમેન્ટ તથા રોકડા રૂપીયા ૨૦૦૦/- હતા. આ બાબતે તેઓએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ, જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમ સાથે સંકલન સાધી “VISWAS Project અંતર્ગત લાગેલ સી.સી.ટી.વી કેમેરાની મદદથી” પાકીટ મુળ માલિકને પરત અપાવેલ, મોરબી પોલીસ દ્વારા પોતાના ઓરીઝનલ ડોક્યુમેન્ટ તથા રોકડ રૂ.૨૦૦૦/- પરત અપાવવા બદલ કરેલ કાર્યવાહીથી મેંદપરા ધવલભાઇ હરેશભાઇ નાઓએ મોરબી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જયારે બીજા બનાવમાં, ગત તા.૨૯-૦૬-૨૦૨૩ના નેત્રમ મોરબી ખાતેથી સી.સી.ટી.વી. કેમેરા મોનીટરીંગ દરમ્યાન રવાપર ચોકડીના કેમેરામાં એક એકટીવા ચાલકને ફોન આવતા તેમને રસ્તા પર સાઇડમાં એકટીવા ઉભુ રાખી ખીસ્સામાંથી ફોન કાઢતી વખતે તેમનું પાકીટ રસ્તા પર પડી ગયેલ હોય તેવુ નેત્રમમાં સી.સી.ટી.વી. મોનીટરીંગ દરમ્યાન જોવા મળેલ હોય, જે પાકીટ સ્થળ પરના ટ્રાફીક બ્રીગેડના કર્મચારી સંદીપ જોશીનો સંપર્ક કરી હસ્તગત કરી, એકટીવા ચાલકના નંબરની ડીટેઇલ મેળવી એકટીવાના માલીક ભાવેશભાઇ ધરમશીભાઇ માકાસણાને પાકીટમાં રહેલ અગત્યના ડોક્યુમેન્ટ એ.ટી.એમ કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ રૂ.૭૫૦૦/- નેત્રમ ખાતે બોલાવી પરત અપાવેલ. જે બદલ તેમને મોરબી પોલીસનો આભાર વ્યકત કરેલ હતો.