મોરબીમાં આગજનીનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે ૨૪ કલાકમાં મોરબી ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્થળોએ લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં મોરબીમાં આવેલ કોલસાનાં કારખાનામાં, ઓઇલ મીલ જીનમાં તથા ખુલ્લા ઘાસમાં એમ ત્રણ સ્થળોએ લાગેલ આગ પર ફાયર વિભાગે કાબુ મેળવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ ગઈકાલે સાંજે નવ વાગ્યાથી આજે બપોર સુધીમાં અલગ અલગ જગ્યાએ આગજનીના કુલ ત્રણ બનાવમાં સરાહનીય કામગીરી કરી છે
જેમાં પ્રથમ બનાવમાં ફાયર કંટ્રોલરૂમમાં ગઈકાલે સાંજે 09:01 કલાકે મળેલ ટેલિફોનિક માહિતીના આધારે પીપળીયા ચાર રસ્તા પર આવેલ ક્રિસ્ટલ કાર્બન કોલસાનાં કારખાનામાં લાગેલ આગ પર બનાવ બન્યાનાં ટૂંક સમયમાં જ ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો હતો.
જયારે બીજા બનાવમાં આજે બપોરે 12:28 કલાકે ફાયર કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો. જેમાં એક શખ્સ દ્વારા વાંકાનેર ચોટીલા હાઈવે પર ભારત ઓઇલ મીલ જીનમાં રાખવામાં આવેલ રૂમાં આગ લાગી હોવાની માહિતી આપવામાં આવી હતી. જે માહિતીના આધારે ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
તેમજ ત્રીજા બનાવમાં બપોરે 03:25 કલાકે ટેલિફોન મળેલ માહિતીના આધારે ફાયર વિભાગના જવાનોએ આમરણ અને ફરસર ગામ વચ્ચે ખુલ્લા ઘાસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. આમ ફાયર ટીમની સરાહનીય કામગીરીનાં કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી.