મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખેડૂતોને વળતરના ચેક અર્પણ કરાયા.મોરબી માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પહેલાં આગની દુર્ઘટનામાં કપાસ બળી ગયેલ હતો. આ દુર્ઘટનામાં ખેડૂતોએ માર્કેટીંગ યાર્ડ ખાતે લવાયેલ કપાસ બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે માર્કેટીંગ યાર્ડે ખેડૂતોના હિતનો નિર્ણય લઇને સમગ્ર ઘટનમાં જે ખેડૂતોને નુકસાન થયું હતું તેને તાત્કાલીક વળતર ચૂકવવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.
આગ લાગવાની ઘટના બાદ સમગ્ર તપાસના અંતે જે ખેડૂતોનો કપાસ આ દુર્ઘટનમાં બળી ગયેલ હતો તે ખેડૂતોને વળતર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના ક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોને તાત્કાલીક વળતર ચૂકવવા અંગેની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આગ લાગવાની ઘટના બાદ અસરગ્રસ્ત ૪૩ જેટલા ખેડૂતોને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રવિવારે મોરબી એપીએમસી ખાતે ખેડૂતોને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા એપીએમસી ખાતે આગ લાગવાની દુર્ઘટના સમયે રૂબરૂ મુલાકાત લઇ જે ખેડૂતોનો કપાસ બળી ગયો હતો તેને કપાસના વળતર અંગે હૈયા ધારણા આપી હતી. એપીએમસીના હોદ્દેદારોએ પણ આ અંગે તાત્કાલીક નિર્ણય લઇ ખેડૂતોને બજાર ભાવે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો અને ૪૩ જેટલા ખેડૂતોને ૨૯ લાખ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, એપીએમસી ચેરમેન ભવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા સહિત સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.