મોરબીમાં વ્યાજખોરો દ્વારા વેપારી યુવકને વ્યાજે આપેલા રૂપિયાના બદલામાં બળજબરીપૂર્વક કોરા ચેકો સહી કરાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચાર વ્યાજખોરો પૈકી એક વ્યાજખોર દ્વારા વેપારી યુવકની માર્કેટિંગ યાર્ડ અંદર આવેલ દુકાને જઈ જાહેરમાં યુવક પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લાફા મારી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સમગ્ર બનાવ મામલે યુવક દ્વારા ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના સરદાર બાગ પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંઘડીયા ઉવ.૨૭એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચાર વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં
(૧)અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી બાયપાસ રોડ મોરબી, (૨)દેવાભાઇ અવાડીયા રહે.ધર્મસૃષ્ટ્રી સોસાયટી બાયપાસ રોડ મોરબી (૩)દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી રહે શકત શનાળા, (૪) નયન ઉર્ફે નાનુભાઈ રબારી રહે શકત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે આજથી એક વર્ષ અગાઉ ઉપરોક્ત ચારેય વ્યાજખોરો પાસેથી અલગ અલગ સમય દરમિયાન ધંધામાં આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા ઉપરોક્ત ચારેય વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયાના વ્યાજની પઠાણી ઉઘરાણી ઉપરોક્ત ચારેય આરોપીઓ દ્વારા કરવામાં આવતી હોય, જેમાં આરોપી અમિત અવાડીયા, દેવાભાઇ રબારી તથા નયન ઉર્ફ નાનુભાઈ રબારીએ ફરિયાદી મિહિરભાઈ પાસેથી બળજબરીપૂર્વક બેંકના કોરા ચેકો સહી કરાવી અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય. જેમાં આરોપી અમિતભાઇએ ગત તા.૦૮/૦૫ના રોજ મિહિરભાઈની માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાને આવી મિહિરભાઈને જાહેરમાં લાફા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે વ્યાજખોરો દ્વારા મારકૂટ તેમજ અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી બાબતે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બનાવની ફરિયાદ અંગે તપાસ આગળ ધપાવી છે.