મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ટીમ દ્વારા મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામ નજીક આવેલ મઢુંલી રામદેવ હોટલમાં અચાનક ચેકીંગ હાથ ધરતા હોટલમાં સગીર વય ધરાવતો બાળ-મજૂર મળી આવેલ હોય જે બાબતે રાજસ્થાની હોટલ સંચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ મઢુંલી રામદેવ હોટલ ખાતે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આ હોટલમાં સગીર કિશોર/બાળકને મજુર તરીકે રાખી તેની પાસેથી વધુ પડતા સમય તથા રાત્રી દરમ્યાન પણ સાફ-સફાઇ, ટેબલ સફાઇ, તથા રસોઇ બનાવવામાં મદદ કરાવી તેમજ વાસણ સફાઇ, તથા હોટલની સાફ સફાઇનું મજુરી કામ કરાવી તેનું શારીરિક, આર્થિક શોષણ કરતા હોવાનું સામે આવતા હોટલ સંચાલક આરોપી ભીમારામ હિન્દુરામ ખારા ઉવ.૩૫ રહે. મુળ ખારા મેહચાન જી.બાડમેર રાજસ્થાન હાલ રહે. મઢુલી રામદેવ હોટલવાળાની અટક કરી પકડાયેલ આરોપી સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં બાળ તરુણ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.