મોરબી તાલુકાના કેરાળા (હરિપર) ગામના ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા વ્યાજખોર આરોપીઓએ ઉઘરાણા શરૂ રાખી ખેડૂતની જમીનનો દસ્તાવેજ લખાવી લેતા ખેડૂતે સાત વ્યંજકવાદી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના કેરાળા (હરિપર) ગામના ખેડૂત અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલા (ઉ.વ.૩૯)એ શનાળા ગામે રહેતા મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી 12 લાખ રૂપિયા દર મહિને 6 ટકાના વ્યાજથી લીધા હતા.ત્યારબાદ આ રકમ 8 મહિનાના વ્યાજ સાથે રૂ .20 લાખ પરત ચૂકવી દીધા હતા. આ રકમ ચૂકવવા માટે ખેડૂતે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર, ભાવેશભાઇ બાવાજી રહે.મોરબી, સુમીત મળજીભાઇ ચારોલા રહે. કેરાળા સહિતના આરોપીઓ પાસેથી જરૂરિયાત મુજબ અવાર નવાર નાણાં લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ જાણે લૂંટારું બની રકમ અને વ્યાજની ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહીં આરોપી હર્ષદ પરબત ચાવડાએ અરવિંદભાઈની ખેતીની જમીનના દસ્તાવેજમાં સહી કરવી જમીન નામે કરાવી લીધા બાદ પણ આરોપીઓએ ફરીયાદી પાસે રૂપિયાની માગણી કરી પઠાણી ઉઘરાણી કરતા અંતે અરવિંદભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.